અંગ્રેજો વિરુદ્ધ સૂત્રો લખવા ચલણી નોટોનો ઉપયોગ થતો
અમદાવાદ, તા.૧૪
આજે બદલાયેલા સમયમાં એટીએમમાં કાર્ડ નાંખતા ઝડપથી ચલણી નોટો મળી જાય છે. ઝડપી નાણાકીય વ્યવહાર માટે મોબાઇલ બેંકિંગ જેવા અનેક વિકલ્પો પણ હાથવગા બન્યા છે, ત્યારે ચલણી નોટોનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. સદીઓ અગાઉ દેશ-વિદેશમાં નાણાકીય વ્યવહારો કેવા હશે તેવા પ્રશ્ન મનમાં ઊઠતા હોય છે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત પ્રદર્શનમાં વૈદિક કાળથી માંડીને બ્રિટિશ શાસન વખતે ચલણી નોટોના રસપ્રદ ઇતિહાસની માહિતી ઉપલબ્ધ થઇ છે. જાણીને નવાઇ લાગશે કે, ‘ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ (અંગ્રેજો ભારત છોડો આંદોલન) સમયે અંગ્રેજો વિરુદ્ધ સૂત્રો લખવા ચલણી નોટોનો ઉપયોગ થતો હતો. આનાથી કંટાળેલી બ્રિટિશ સરકારે ‘સૂત્રો લખેલી નોટો રદબાતલ ગણવી’ તેવો ખાસ વટહુકમ બહાર પાડવો પડયો હતો. આવી અનેક દિલચસ્પ માહિતી આ પ્રદર્શનમાંથી મળે છે.
- રિઝર્વ બેન્ક આયોજિત પ્રદર્શનમાં ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ સમયની રસપ્રદ માહિતી

૮ ઓગસ્ટ
, ૧૯૪૨ના રોજ અંગ્રેજો વિરુદ્ધ ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ ચાલી હતી. તે વખતે લોકો બ્રિટિશ સરકાર વિરુદ્ધ ચલણી નોટો પર રાજકીય સૂત્રો લખતાં હતાં, પરિણામે બ્રિટિશ સરકારે ખાસ વટહુકમ બહાર પાડયો હતો કે, સરકાર વિરોધી સૂત્રો લખેલી નોટો રદબાદલ ગણાશે. આ સમયગાળા દરમિયાન જાપાને બર્મા કબજે કર્યું હતું, જેથી રંગુનમાં રિઝર્વ બેન્કની કામગીરી સ્થગિત કરાઇ હતી અને જાપાને ખુદ ચલણી નોટો શરૂ કરી હતી. ચલણી નોટોની આગવી ઓળખ જળવાઇ રહે તે માટે જાપાને વિશ્વમાં પ્રથમવાર ચલણી નોટોમાં સિક્યુરિટી થ્રેડ (નોટોમાં ચાંદીનો તાર) નાંખ્યો હતો. ૧૯૪૫ બાદ જાપાનનો બર્મા પરનો કબજો દૂર થયા બાદ રિઝર્વ બેન્કની કામગીરી પુનઃ શરૂ થઇ હતી. તે વખતે રિઝર્વ બેન્કે એવો વટહુકમ બહાર પાડયો હતો કે, બેન્ક બ્રિટિશ મિલિટરી એડમિનિસ્ટ્રેશન (બર્મા )માં પણ કામ કરી શકશે. બેન્કની કામગીરી એપ્રિલ, ૧૯૪૭ સુધી ચાલુ રહી હતી. ત્યાર બાદ ફરી બર્મા કરન્સી બોર્ડ અસ્તિત્વમાં આવ્યું હતું. જોકે,ગવર્મેન્ટ ઓફ ફ્રી ઇન્ડિયાએ પણ ચલણી નોટો બહાર પાડી હતી. જેની સ્થાપના સુભાષચંદ્ર બોઝે કરી હતી.
અમદાવાદમાં રવિશંક્ર આર્ટ ગેલેરીમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ૭૫મા વર્ષની ઉજવણી નિમિત્તે એક પ્રદર્શન આયોજિત કરાયું છે જેમાં વૈદિકકાળમાં નાણાકીય વ્યવહારો કેવી રીતે થતાં હતાં ત્યારથી માંડીને આજની બેંકિંગ સિસ્ટમ વિશેની રસપ્રદ માહિતી ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, ૧૯૩૫માં તમામ માળખાકિય સુવિધા અને બેંકિંગ સિસ્ટમ સાથે રિઝર્વ બેન્કનું પ્રથમ બિલ્ડિંગ કોલકાતા ખાતે શરૂ કરાયું હતું ત્યાર બાદ તેની શાખાઓ શરૂ થઇ હતી.
બુદ્ધ ધર્મગ્રંથમાં શેઠ- બેન્કર શબ્દનો ઉલ્લેખ
ભારતમાં નાણાંના ધિરાણનો ઇતિહાસ વૈદિકકાળથી ચાલ્યો આવે છે. બુદ્ધ ધર્મગ્રંથોમાં શેઠ અને બેન્કર શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. ઇસ પૂર્વે બીજી શતાબ્દીમાં શેઠ ઉદ્યોગ અને વેપારને નાણાકીય સહાય પૂરી પાડતા હતા. મોગલકાળ સુધી સ્વદેશી બેન્કરો જાણીતા હતા તે વખતે જગત શેઠનો ભારે દબદબો હતો. તેઓ વેપાર સાથે સંકળાયેલા લોકોને જ નહિ બલ્કે શાસકોને પણ નાણાકીય મદદ કરતા હતા. જગત શેઠ રોકડા અને હૂંડીથી સહાય કરતા. વિવિધ રાજ્યોમાં તેમનો નાણાકીય વ્યવહાર ચાલતો હતો. ભારતમાં અંગ્રેજોના આગમન અગાઉ પણ દેશી બેન્કિંગ સિસ્ટમ અસ્તિત્વમાં હતી જે વાણિયા,
શાહુકાર, શ્રોફ ચલાવતા હતા. તેઓ પરંપરાગત ખેતી અને વેપાર કરતા લોકોને નાણાં ધીરતા હતા. બ્રિટિશ કાળમાં સ્વદેશી બેન્ક શબ્દ પ્રચલિત બન્યો હતો. સ્વદેશી બેન્કો મોટાભાગે વૈશ્ય, જૈન સમુદાય, મારવાડી, મુલતાની, રાઠી અને ખત્રી લોકો ચલાવતા હતા. તે વખતે હૂંડીનું ચલણ વધુ હતું. બે પ્રકારની હૂંડીથી નાણાકીય લેવડદેવડ થતી. હૂંડીને દર્શની, દેખનહાર અને મુદતી તરીકે પણ ઓળખવામાં આવતી હતી.
દેશની પ્રથમ બેંક ધ બેન્ક ઓફ બોમ્બે ત્રણ વાર બંધ પડી હતી
૧૮૪૦માં ભારતમાં મુંબઇમાં સૌપ્રથમ ધ બેન્ક ઓફ બોમ્બે શરૂ કરાઇ હતી. રૂ. ૫૨ લાખની મૂડીમાં રાજ્ય સરકારે બેન્કને રૂ. ૩૦ લાખની સહાય કરી હતી તેમ છતાં ૧૮૬૫માં નાણાકીય મુશ્કેલીને કારણે બેન્ક બંધ થઇ ગઇ હતી. પુનઃ નાણાકીય ફંડ મેળવી બેન્ક શરૂ કરાઇ હતી પણ ૧૮૬૬માં ફરી બેન્ક ઓફ બોમ્બે બંધ થઇ ગઇ હતી. આમ કુલ ત્રણ વાર બેન્ક બંધ પડી હતી. બેન્કના અધિકારોના દુરુપયોગ અને બિનઅનુભવી ડાયરેક્ટરોને કારણે બેન્ક બંધ પડી ગઇ હતી.
નકલ ન થાય તે માટે ૧૯૪૪માં પ્રથમવાર નોટોમાં મેટાલિક થ્રેડ નંખાયો
ભારતમાં ચલણી નોટોની નકલ ન થાય તે માટે ૧૯૪૪માં રૂ. ૫ અને રૂ. ૧૦ની નોટોમાં મેટાલીક થ્રેડ નાંખવામાં આવ્યો હતો. જાપાનની ચલણી નોટોને જોઇને ભારત સરકારે આ નિર્ણય લીધો હતો. ૫મી ઓક્ટોબર, ૧૯૪૪માં રૂ. ૫-૧૦ની નોટમાં જ્યોર્જ છઠ્ઠાનું ચિત્ર બદલી નંખાયું હતું. ૧લી ડિસેમ્બર, ૧૯૪૪ના રોજ રૂ. ૧ની નોટ બહાર પાડવામાં આવી હતી. માર્ચ, ૧૯૭૫ના રોજ તમામ નોટોની ડિઝાઇનમાં બદલાવ કરાયો હતો અને નવી સિરિઝની નોટો ઇસ્યુ કરાઇ હતી જેમાં રૂ. ૫ની નોટ પર સાયન્સ ટેકનોલોજીનું ચિત્ર રજૂ કરાયું હતું જ્યારે રૂ. ૧૦૦ની નોટ પર એગ્રીકલ્ચર અને રૂ. ૫૦ની નોટ પર પાર્લામેન્ટ હાઉસનું ચિત્ર મુકાયું હતું. આ ઉપરાંત ચલણી નોટોની સલામતી માટે જૂન, ૧૯૯૬માં ઇન્ટેગેલિયો પ્રિન્ટ સહિત વોટરમાર્કનો ઉપયોગ શરૂ કરાયો હતો.
No comments:
Post a Comment